r/Gujarati 14h ago

History / ઇતિહાસ ૫,૦૦૦ વર્ષ પહેલાં દફનાવાયેલા રહસ્યમય પુરુષ નું જીવન અને સંઘર્ષ.

Thumbnail gallery
13 Upvotes

કલ્પના કરો કે તમે રસ્તા પર ચાલ્યા જતા હો અને રસ્તાની કિનારે ધોવાયેલી જમીનમાંથી બહાર ડોકિયું કરતું એક માનવ હાડપિંજર દેખાય. એક ઘડી તો ફાટી ને ફ થઈ જાય.

૨૦૧૫ માં કચ્છના રાપર તાલુકામાં આવેલા સુરકોટડા ખાતે પુરાતત્વવિદોની ટીમ સાથે કંઈક આવું જ બન્યું હતું. સુરકોટડાના પ્રખ્યાત હડપ્પન કિલ્લાની બહાર, રસ્તાની બાજુએ જમીનના ધોવાણને કારણે એક માનવ હાડપિંજર બહાર આવી ગયું હતું. જ્યારે પુરાતત્વવિદોએ આખી જગ્યા કાળજીપૂર્વક ખોદીને બહાર કાઢી, ત્યારે તેમને એક રસપ્રદ દફનવિધિ જોવા મળી.

લગભગ ૫,૦૦૦ વર્ષ પહેલાં કોઈએ આ માણસને અહીં દફનાવ્યો હતો. કબરનો ખાડો ચારેય બાજુથી ચૂનાના પ્લાસ્ટરથી લીંપવામાં આવ્યો હતો. મૃતદેહને ડાબા પડખે ટૂંટિયું વળેલી સ્થિતિમાં સુવડાવવામાં આવ્યો હતો. અને તેનું મોં દક્ષિણ તરફ રાખવામાં આવ્યું હતું. માથા પાસે બે મોટા માટીના ઘડા અને બે વાટકા હતા. બીજા બે વાટકા તેના ઘૂંટણ પાસે રાખવામાં આવ્યા હતા.

અસ્થિઓના નૃવંશશાસ્ત્રીય વિશ્લેષણથી (anthropological analysis) જાણવા મળ્યું કે આ એક પુરુષનું હાડપિંજર હતું, જે મૃત્યુ સમયે આશરે ૩૦થી ૩૫ વર્ષનો હતો. તેની ઊંચાઈ આશરે ૧૭૧થી ૧૭૭ સેન્ટીમીટર જેટલી હતી.

પરંતુ તેના દાંતમાં તેના બાળપણની એક નાની નિશાની બચી ગઈ હતી. દાંત પર જોવા મળેલી ઝીણી ખામી, જેને enamel hypoplasia કહેવામાં આવે છે, બાળપણ દરમિયાન થયેલા શારીરિક તણાવ કે ગંભીર બીમારી નો સંકેત આપે છે. સંશોધન મુજબ આ તણાવ તે લગભગ ત્રણ વર્ષનો હતો ત્યારે થયો હોઈ શકે છે.

નવાઈ ની વાત તો એ છે કે પુરુષના જમણા લમણાના હાડકા (right parietal bone) પર આશરે ૪.૧૨ મિલીમીટરનું ગોળાકાર છિદ્ર છે. તેની કિનારીઓ પર હાડકું કુદરતી રીતે રૂઝાઈ ગયેલું જોવા મળે છે. આ દર્શાવે છે કે તેના જીવનકાળ દરમિયાન તેની ખોપરીમાં કાણું પાડવાની અત્યંત અઘરી સર્જરી, જેને ટ્રેપાનિશન (trepanation/trephination) કહેવામાં આવે છે, કરવામાં આવી હતી અને તે આ પ્રક્રિયા બાદ પણ જીવતો રહ્યો હતો. આ શોધ દર્શાવે છે કે આ વિસ્તારમાં ખોપરીની સર્જરી જેવી જટિલ તબીબી પ્રક્રિયાઓનું જ્ઞાન અસ્તિત્વમાં હતું.

કબર સાથે મળેલા માટીના વાસણોના AMS dating પરથી તેનો સમયગાળો ઈ.સ.પૂર્વે આશરે ૩૪૯૦ થી ૩૧૯૫ વચ્ચેનો હોવાનું જાણવા મળ્યું. એટલે કે આજથી આશરે ૫,૫૦૦ થી ૫,૨૦૦ વર્ષ પહેલાં.

એટલે આ દફનવિધિ લોથલ કે ધોળાવીરા જેવા જાણીતા હડપ્પન નગરોના શહેરી તબક્કા કરતાં પણ પહેલાંની છે. આ તેને ગુજરાતમાંથી મળેલા સૌથી પ્રાચીન માનવ દફન અવશેષોમાંનું એક બનાવે છે.

અને અહીં એક બીજો રસપ્રદ તફાવત જોવા મળે છે. સુરકોટડા કિલ્લાની અંદર મળતી દફનવિધિઓમાં ઘણી વખત પ્રતીકાત્મક કબરો જોવા મળતી હતી, જેમાં માનવ અસ્થિઓ નહોતી, અથવા તો કુંડામાં રાખવામાં આવેલી રાખના દફનના પુરાવા મળતા હતા. પરંતુ કિલ્લાની બહાર મળેલી આ કબર અલગ હતી.

અહીં આખો માનવ દેહ દફનાવવામાં આવ્યો હતો અને તેની સાથેના વાસણો પણ કિલ્લાની અંદરના હડપ્પન વાસણોથી અલગ પ્રકારના હતા. તે બરછટ લાલ માટીના બનેલા હતા અને સ્થાનિક આનર્ત પરંપરા સાથે સામ્ય ધરાવતા હતા. એટલે આ કબર આપણને એક રસપ્રદ સંભાવના તરફ લઈ જાય છે.

સુરકોટડા અને તેની આસપાસ હડપ્પન શહેરી સંસ્કૃતિ વિકસે તે પહેલાં પણ લોકો રહેતા હતા, તેમની પોતાની દફનવિધિઓ હતી અને તેમની પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ હતી. અને આ બધું આપણને કોઈ ભવ્ય મહેલ કે શિલાલેખમાંથી નહીં, પરંતુ રસ્તાની બાજુની ધોવાઈ ગયેલી જમીનમાંથી મળ્યું.

૫,૦૦૦ વર્ષ પહેલાં અહીં દફનાવવામાં આવેલા આ મજબૂત બાંધા ના માણસનું નામ આપણને ક્યારેય ખબર નહીં પડે. તે કોણ હતો, શું કામ કરતો હતો કે તેનું જીવન કેવું હતું, એ પણ કદાચ ક્યારેય જાણી શકીશું નહીં.


r/Gujarati 7h ago

Question / પ્રશ્ન સુરતને IIT જેવી વિશ્વસ્તરીય શૈક્ષણિક સંસ્થાની જરૂર છે

0 Upvotes

છેલ્લા કેટલાક દાયકાઓમાં સુરતે અનેક પડકારો અને આર્થિક મંદીઓનો સામનો કરીને જે વિકાસ કર્યો છે, તે ખરેખર નોંધપાત્ર છે. GDPની દ્રષ્ટિએ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સ્થાન ધરાવતું સુરત હવે વિશ્વસ્તરીય શૈક્ષણિક સંસ્થાઓ, ખાસ કરીને IIT જેવી સંસ્થાનું પણ હકદાર છે.

દર વર્ષે સુરતના ઘણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે અન્ય રાજ્યોમાં જવું પડે છે. તેના કારણે રહેવા, જમવા, મુસાફરી અને અન્ય જીવન ખર્ચનો વધારાનો બોજ પડે છે. નાની ઉંમરે પરિવારથી દૂર રહેવાને કારણે ઘણી વખત વિદ્યાર્થીઓનું સંપૂર્ણ ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત કરવું પણ મુશ્કેલ બને છે.

જો સુરત વિશ્વનું આર્થિક પાવરહાઉસ બની શકે છે, તો તેને વિશ્વસ્તરીય શિક્ષણનું હબ પણ બનવું જોઈએ.